સુરતના મોટા વરાછા લજામણી ચોક ખાતે વિશ્વાસ જવેલર્સની દુકાનમાંથી બે અજાણી મહિલાઓ સોનાના દાગીના ખરીદવા આવી હતી. દરમિયાન માલિકની નજર ચૂકવીને સોનાની બુટ્ટી અને પેન્ડન્ટ એમ કુલ રૂ. ૩૫,૦૦૦ના દાગીના ચોરી કરીને ભાગી છૂટી હતી. સુરત શહેરના મોટા વરાછા ખાતે આવેલા સુવિધા કોમ્પ્લેક્સમાં વિશ્વાસ જવેલર્સ નામે સોનાના દાગીનાનો વ્યવસાય વસંત કરમશીભાઈ રામાણી (રહે. ગોપીનાથજીનગર, મોટા વરાછા, મૂળ રહે. લીલાપુર, તા. જસદણ, જિ. રાજકોટ) છેલ્લા આઠ વર્ષથી કરે છે.
ગત તા.૨૯ જુલાઈ રોજ સાંજે પાંચ કલાકે વિશ્વાસ જવેલર્સની દુકાનમાં ૩૦થી ૩૫ વર્ષીય બે અજાણી મહિલાઓ સોનાની બુટ્ટી પેન્ડન્ટ ખરીદી કરવા આવી હતી. માલિક વસંતે જુદી જુદી ડિઝાઈનની પેન્ડલ બુટ્ટી બતાવી હતી. પરંતુ બંને મહિલાઓને દાગીના પસંદ નથી, એમ કહીને નીકળી ગઈ હતી. એ પછી સાંજે સોનાના દાગીનાનો સ્ટોક મેળવતા ૭.૪૮૦ ગ્રામ ૨૨ કેરેટ પેન્ડલ બુટ્ટી મળ્યા ન હતા, તેમજ સીસીટીવી કેમેરા ચેક કરતાં ગ્રે કલરનું જેકેટ પહેરેલી મહિલાએ નજર ચુકવીને લઈને બીજી મહિલાને ઈશારો કરીને સાથે પલાયન થઈ ગઈ હતી. આ બનાવ અંગે વસંત રામાણીએ ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.