સુરતના ભાટપોર વિસ્તારમાં બે વર્ષીય બાળકને કોબ્રા સાપે ડંખ મારતા મોત થયું હોવાની વાત સામે આવી છે, બાળક ઘર નજીક રમી રહ્યું હતુ તે દરમિયાન સાપે ડંખ માર્યો હતો, બાળકના પિતાને થયું કે સાપે ડંખ માર્યો છે જેથી તેઓ તેને તાત્કાલિક ભાટપોરના ક્લિનીકમાં લઈ ગયા હતા, જ્યાંથી બાળકને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
મળતી વિગતો અનુસાર છોટા ઉદેપુરના વતની દિનેશભાઈ નાદલા રાઠવા કે જેઓ ભાટપોર ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં પરિવાર સાથે રહી કડિયાકામ કરી ગુજરાન ચલાવે છે. શુક્રવારે સાંજે બાળક સાંજે અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો અને તે સમયે દીવાલમાં છુપાઈને બેસેલો સાપ અચાનક બહાર આવ્યો અને બાળકના જમણા પગે કરડી ગયો હતો, અને બાળકને લોહી નીકળતા તેણે બુમો પાડી હતી. બાળકને સારવાર માટે ખસેડાયો હતો. જોકે કમનસીબે, ઝેરની અસર વધુ હોવાથી ફરજ પરના તબીબોએ માસૂમને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા જ ગામના લોકોએ એકઠા થઈ તે 6 ફૂટ લાંબા કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યું હતું. બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો હતો.





