Latest News Gujarat: વન્ય પ્રાણીઓ, ખાસ કરીને સિંહોની સુરક્ષા માટે વન વિભાગનો માસ્ટર પ્લાન

વન્ય પ્રાણીઓ, ખાસ કરીને સિંહોના માર્ગ અકસ્માતમાં મોતના કિસ્સાઓ વારંવાર બનતા રહે છે. આવી દુર્ઘટનાઓ નિવારવા માટે વન વિભાગ દ્વારા એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે PCCF (પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ) દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ઉપવન સંરક્ષકો તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ જોડાયા હતા. સિંહોના સંરક્ષણ માટે પ્રવાસીઓ અને વાહનચાલકોમાં જાગૃતિ ફેલાવવા સાથે માર્ગ અને મકાન વિભાગ સાથે જરૂરી સંકલન સાધવામાં આવશે. જે વિસ્તારોમાં અકસ્માત થવાની શક્યતા વધુ છે, ત્યાં તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવા, રિફ્લેક્ટર લગાવવા અને સાવચેતી દર્શાવતા બોર્ડ મૂકવાની સૂચના અધિકારીઓને અપાઈ છે.આ ઉપરાંત, સિંહોની નિયમિત અવરજવર ધરાવતા વિસ્તારોની યાદી તૈયાર કરી તેમની ગતિવિધિઓ પર કડક દેખરેખ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, જરૂર જણાય તો સિંહોના લોકેશન ટ્રેકિંગ માટે તેમને રેડિયો કોલર પહેરાવવા અંગે પણ ગંભીરતાથી વિચારણા કરવામાં આવશે.

error: Content is protected !!