જલાલપોર તાલુકાના વેસ્મા ગામ પાસે મંગળવારની રાત્રે એક મોટી દુર્ઘટના ટળી હતી. દારૂના નશામાં ચૂર એક ટેન્કર ચાલકે દૂધ ભરેલું ટેન્કર જાહેર રોડ પર જોખમી રીતે હંકારી રોડની નીચે ઉતારી દીધું હતું. પેટ્રોલિંગમાં રહેલી નવસારી રૂરલ પોલીસે સમયસૂચકતા વાપરી આરોપી ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો પ્રમાણે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ગત રાત્રે વેસ્મા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રાત્રિના આશરે ૧૧:૦૦ વાગ્યાના સુમારે વેસ્મા ગામના સડક ફળીયા પાસે એક દૂધનું ટેન્કર નંબર જીજે/૨૧/ડબ્લ્યુ/૯૬૯૦ને અત્યંત જોખમી રીતે સર્પાકારે દોડતું જોવા મળ્યું હતું. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર રોડની નીચે ઉતરી ગયું હતું. પોલીસે તાત્કાલિક ટેન્કર પાસે પહોંચી તપાસ કરતા ચાલક ઓમકાર રામલોટન યાદવ (ઉં.વ.૫૨,રહે. સીસોદ્રા, મૂળ ઉત્તર પ્રદેશ) દારૂના નશામાં હાલકડોલક થતો જોવા મળ્યો હતો. તેની આંખો લાલચોળ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નશામાં ધૂત વાહન ચાલકો જાહેર જનતા માટે કેટલા જોખમી સાબિત થઈ શકે છે તેનો આ જીવંત દાખલો છે.આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.





