BREAKING NEWS: એસીબીના સપાટામાં સરકારી હોસ્પિટલની નોકરીઓનું કૌભાંડ: ૯૫ હજારની લાંચ લેતા ઓપરેશન મેનેજર ઝડપાયા, ૨૧ લાખથી વધુની રોકડ જપ્ત

અમદાવાદ: સરકારી હોસ્પિટલમાં કરાર આધારિત નોકરી અપાવવાના નામે બેરોજગાર ઉમેદવારો પાસેથી લાખોની લાંચ વસૂલવાના કૌભાંડનો ACB એ પર્દાફાશ કર્યો છે. અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં આવેલા મેટ્રીક્ષ પ્લાઝા કોમ્પ્લેક્ષ સ્થિત સિક્યોરશીલ્ડ સિક્યુરિટી સર્વિસની ઓફિસમાં 10 સપ્ટેમ્બર 2026ના રોજ ગોઠવાયેલા ડિકોય ઓપરેશન દરમિયાન રૂપિયા 95,000ની લાંચ સ્વીકારતા ઓપરેશન મેનેજર પ્રમોદ શંકર પાંડે રંગેહાથ ઝડપાયો હતો.ACBને હેલ્પલાઇન 1064 પર મળેલી ફરિયાદોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન હોસ્પિટલની વિવિધ કેટેગરીમાં કરાર આધારિત નોકરી અપાવવાના નામે રૂપિયા 30,000થી રૂપિયા 1.50 લાખ સુધીની લાંચ માંગવામાં આવતી હોવાનો આક્ષેપ સામે આવ્યો હતો.

ટ્રેપ દરમિયાન ACBને મોટી માત્રામાં રોકડ મળી આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. કંપનીની ઓફિસના ટેબલના ખાનામાંથી રૂપિયા 2.29 લાખ, જ્યારે આરોપીઓ રોકાયેલા હોટેલના રૂમમાંથી બેગમાં રહેલા રૂપિયા 19,29,900 મળી આવ્યા હતા. આમ કુલ રૂપિયા 21,57,900ની રોકડ જપ્ત કરવામાં આવી છે.આ કેસમાં પંકજકુમાર રાજકુમાર મિશ્રા, રાજીવભાઈ કાલીકાપ્રસાદ શુક્લા અને જયેશકુમાર ધિરૂભાઈ ચૌધરીની પણ સંડોવણી અને મદદગારી અંગે ACBની તપાસમાં સામે આવ્યું છે.

નોકરી મેળવવા માટે ભટકતા બેરોજગાર યુવાનો પાસેથી ‘લાંચનું રેટકાર્ડ’ ચલાવાતું હોવાના આક્ષેપે સરકારી હોસ્પિટલની ભરતી વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. ACBની કાર્યવાહીથી ભરતીના નામે પૈસા ઉઘરાવતા વચેટિયા અને ખાનગી એજન્સીઓમાં ફફડાટ ફેલાયો છે.આ કાર્યવાહી અમદાવાદ ગ્રામ્ય ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુ.શ્રી ડી.બી. ગોસ્વામી અને તેમની ટીમે ટ્રેપ સફળ બનાવ્યો હતો.

error: Content is protected !!