થાણે: ૧૫ વર્ષની સગીરાનો વિનયભંગ કરી રૂ.૫૦ હજાર પડાવનાર ૨૩ વર્ષીય યુવક જેલભેગો

થાણેના લોકમાન્ય નગર વિસ્તારમાં રહેતા એક ૨૩ વર્ષીય યુવકે ૧૫ વર્ષની શાળાની વિદ્યાર્થિનીને છેલ્લા છ મહિનાથી ડરાવી-ધમકાવી તેનો વિનયભંગ કરવા ઉપરાંત તેની પાસેથી ૫૦ હજાર રૂપિયા પડાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે વર્તકનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ પ્રથમેશ દેસાઈ (૨૩) તરીકે થઈ છે.સપ્ટેમ્બર ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન આરોપીએ સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી. તે વિદ્યાર્થિનીને અવારનવાર એકાંત સ્થળોએ લઈ જતો અને તેનો વિનયભંગ કરતો હતો. એટલું જ નહીં, જો તે આ વિશે કોઈને જાણ કરશે, તો તેમના કથિત સંબંધોની જાણ તેના માતા-પિતાને કરી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો.

આરોપી પ્રથમેશ દેસાઈએ સગીરાને બદનામ કરવાની ધમકી આપી અત્યાર સુધીમાં તેની પાસેથી કટકે-કટકે ૫૦ હજાર રૂપિયા પણ પડાવ્યા હતા. સતત વધતી જતી પૈસાની માંગ અને આરોપીના ત્રાસથી કંટાળીને અંતે વિદ્યાર્થિનીએ હિંમત ભેગી કરી પરિવારને આપવીતી જણાવી હતી. સગીરાના માતા-પિતાએ ૧ માર્ચના રોજ વર્તકનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને કસ્ટડીમાં લીધો છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

error: Content is protected !!