ઉચ્છલ તાલુકાના કુઇદાગામમાં એસ.ઓ.જી. પોલીસના દરોડામાં એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. વર્ષોથી ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરી રહેલા સચિનભાઈ નગીનભાઈ પાટીલ નામના બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે. પરંતુ, આ ઘટનાએ તાલુકા આરોગ્ય અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
તાપી એસ.ઓ.જી.પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અનુસાર, આ બોગસ ડોક્ટર કોઈ પણ પ્રકારની માન્ય ડિગ્રી કે ગુજરાત મેડિકલ કાઉન્સિલના રજીસ્ટ્રેશન વગર બિન્દાસપણે દવાખાનું ચલાવી રહ્યો હતો. પોલીસને તપાસમાં ત્યાંથી સ્ટેથોસ્કોપ, બી.પી. માપવાનું મશીન અને રૂ.૩૪,૦૩૨/- ની કિંમતનો એલોપેથિક દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો છે. સવાલ એ છે કે, જે ગામમાં આટલા લાંબા સમયથી ‘મોતનું હાટડું’ ચાલતું હતું, તેની ગંધ તાલુકા આરોગ્ય અધિકારીને કેમ ન આવી? શું આરોગ્ય વિભાગના કર્મચારીઓનું ફિલ્ડ વર્ક માત્ર ચોપડા પૂરતું જ સીમિત છે?
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની જવાબદારી છે કે જિલ્લામાં ચાલતા તમામ ક્લિનિક્સ અને હોસ્પિટલોનું સમયાંતરે નિરીક્ષણ થાય. ઉચ્છલ જેવા અંતરિયાળ વિસ્તારમાં ગરીબ આદિવાસી જનતાના જીવ જોખમાય તેવી રીતે બેદરકારીપૂર્વક સારવાર આપતા તત્વો સામે ‘લેટ લતીફ’ તંત્ર કેમ મૌન છે? શું કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવામાં આવી રહી છે? દર મહિને થતી આરોગ્ય સમીક્ષા બેઠકોમાં શું માત્ર નાસ્તા-પાણી જ થાય છે? બોગસ ડોક્ટરોની યાદી કેમ અપડેટ થતી નથી? તાલુકા આરોગ્ય અધિકારીના નાક નીચે આટલો મોટો દવાનો જથ્થો અને ઈન્જેક્શનની સીરીઝ વપરાતી હતી, છતાં તેઓ અજાણ હોવાનો દેખાવ કેવી રીતે કરી શકે? પોલીસે તો પોતાની કામગીરી કરી છે, પણ હવે વારો આરોગ્ય વિભાગનો છે. જો હવે પછી કોઈ બોગસ ડોક્ટરને કારણે કોઈ નિર્દોષનો જીવ જશે, તો તેની સીધી જવાબદારી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીની રહેશે તે નક્કી છે.





