ઉચ્છલના ભંડભુજા ગામ પાસે નેશનલ હાઈવે પર ગત રવિવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક અજાણી ફોર વ્હીલ ગાડીના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક પર સવાર અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે મૂળ નવાપુરના ઝામણઝર ગામના રહેવાસી પ્રતિક્ષાબેન અરવિંદભાઈ માવચી (ઉં.વ.૨૨ ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત તા.૦૮મી માર્ચે સાંજે સાતેક વાગ્યે તેઓ તેમની માતા રીનાબેન અને મંગેતર દિનેશભાઈ માવચી સાથે મોટરસાયકલ નંબર એમએચ/૩૯/એજી/૦૯૦૭ પર સવાર થઈને ભંડભુજા ગામે પ્રાર્થના સભામાં જવા નીકળ્યા હતા. દરમિયાન સુરત-ધુલિયા નેશનલ હાઈવે પર ગાંધીનગર ફળીયા પાસેથી પસાર થતી વખતે નવાપુરથી સોનગઢ તરફ જતી એક અજાણી ફોર વ્હીલ ગાડીના ચાલકે ગફલતભરી રીતે હંકારી તેમની બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે પ્રતિક્ષાબેનની માતા રીનાબેન અરવિંદભાઈ માવચી (ઉં.વ.૪૦) ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રતિક્ષાબેનને માથા અને હાથ-પગમાં ઈજાઓ થતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેમના મંગેતર દિનેશભાઈને પણ ગાલ અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી અજાણ્યો કાર ચાલક પોતાની ગાડી લઈ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ મામલે પ્રતિક્ષાબેને ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.





