વલસાડ રૂરલ પોલીસે બાતમીના આધારે ગુંદલાવ બ્રિજ પાસે વોચ ગોઠવી વિદેશી દારૂના જથ્થા સાથે એક અર્ટિગા કાર ઝડપી પાડી છે. પોલીસે આ મામલે એક ઇસમની ધરપકડ કરી છે, જ્યારે એક કિશોરને સુરક્ષિત કસ્ટડીમાં લઈ મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ રૂરલ પોલીસની ટીમ ગુંદલાવ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે દમણ તરફથી એક સફેદ કલરની મારુતિ સુઝુકી અર્ટિગા કાર નંબર GJ-27-AP-6296 માં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ગુંદલાવ બ્રિજ ઉતરતા છેડે નેશનલ હાઈવે-48 પર વોચ ગોઠવી હતી.
શંકાસ્પદ કાર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા કારની સીટના ભાગે છુપાવેલા પૂંઠાના બોક્સ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન તેમાંથી અંદાજીત 96 હજારની કિંમતની વિદેશી દારૂની કુલ 768 નંગ બાટલીઓ મળી આવી હતી.પોલીસે સ્થળ પરથી કાર ચાલક રાહુલભાઈ હિંમતભાઈ ભીલ (રહે. સુરત, મૂળ અમરેલી) ની ધરપકડ કરી છે. તેની સાથે કારમાં સવાર 16 વર્ષીય કિશોરને પણ અટકાયતમાં લેવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો દમણ ખાતેથી ‘સોનું’ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો અને સુરત પહોંચાડવાનો હતો. પોલીસે સોનું નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.





