સોનગઢના ખગોળગામની સીમમાં ગુરુવારે બપોરના સુમારે પુરઝડપે જતી મોપેડ પરથી ચાલકે કાબુ ગુમાવતા સર્જાયેલા આ અકસ્માતમાં મોપેડ ચાલક સગીર અને તેની સાથે સવાર ૩ વર્ષની માસૂમ બાળકી એમ બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાના ખગોળગામના પાટલી ફળીયામાં રહેતા અમીતભાઈ ગામીતની ૩ વર્ષની પુત્રી નીત્યાકુમારી આંગણવાડીમાં ગઈ હતી. અમીતભાઈના કુટુંબી ભત્રીજા સ્મીતકુમાર સંદીપભાઈ કોકણી (ઉ.વ.૧૨, રહે.મોટાતારપાડા) પોતાની ટી.વી.એસ. એન્ટોર્ક મોપેડ નંબર જીજે/૨૬/એજી/૮૪૪૩ લઈને નીત્યાકુમારીને આંગણવાડીથી તેડવા માટે ગયો હતો. બપોરે આશરે ૧:૦૦ વાગ્યાના અરસામાં સ્મીતકુમાર બાળકીને મોપેડ પર આગળ બેસાડીને પરત ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન મૌજે ખગોળગામથી ઘુટવેલ પાટીયા તરફ જતા રોડ પર એક વળાંક પાસે સ્મીતે મોપેડ પરનો કાબુ ગુમાવ્યો હતો. મોપેડ પુરઝડપે હોવાથી રોડની સાઈડમાં ઉતરી જઈ જોરદાર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં સ્મીતકુમારને શરીરે અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે વચ્ચે ઉભેલી માસૂમ નીત્યાકુમારીને માથાના અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા બંનેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ મારફતે બંનેને સોનગઢ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.સોનગઢ પોલીસે આ મામલે મૃતક બાળકીના પિતા અમીતભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.





