બારડોલીનો રીઢો ગુનેગાર ‘સોયેબ બોબડો’ ચોરીના ૭ વાહનો સાથે ઝડપાયો: દક્ષિણ ગુજરાતમાં મચાવ્યો હતો તરખાટ

દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વાહન ચોરીના ગુના આચરી પોલીસને દોડતી કરનાર રીઢા ગુનેગાર સોયેબ ઉર્ફે સોયેબ બોબડાને સુરત ગ્રામ્ય એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં તેની પાસેથી ચોરીના કુલ ૭ વાહનો મળી આવ્યા છે, જેનાથી વાહન ચોરીના ૭ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

એલ.સી.બી.ની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ વાહન ચોરીમાં પકડાયેલ આરોપી સોયેબ (રહે.બારડોલી) ચોરીના વાહનો વેચવા માટે નેશનલ હાઈવે નં-૪૮ ના સર્વિસ રોડ પર ઉભો છે. પોલીસે તાત્કાલિક રેઈડ કરી તેને ૪ મોટરસાયકલ અને એક રિક્ષા સાથે ઝડપી લીધો હતો. તેની વધુ પૂછપરછમાં કામરેજ વિસ્તારમાં છુપાવેલી અન્ય રિક્ષાઓ પણ રિકવર કરવામાં આવી હતી.

પોલીસે આરોપી પાસેથી ૩ રિક્ષા, ૪ મોટરસાયકલ, મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ રૂ.૨,૯૫,૪૬૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં ખૂલ્યું છે કે આ વાહનો પાલોદ, નવસારી, બીલીમોરા, વલસાડ અને પાલેજ વિસ્તારમાંથી ચોરવામાં આવ્યા હતા .

પકડાયેલ આરોપી સોયેબ ઉર્ફે સોયેબ બોબડો (ઉ.વ.૨૮) અત્યંત રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ બારડોલી, ઓલપાડ, કીમ, ચીખલી, કામરેજ, ભરૂચ અને વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં કુલ ૨૨ જેટલા ચોરીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે .આ સમગ્ર સફળ કામગીરી એલ.સી.બી. પી.આઈ. આર.બી. ભટોળ, પેરોલ ફર્લો સ્કોડના પી.આઈ. એન.જી. પાંચાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી .

 

error: Content is protected !!