સુરતના કામરેજ તાલુકાના નવાગામ ખાતે રહેતા એક 65 વર્ષીય નિવૃત્ત વૃદ્ધને ફોરેક્સ અને ક્રિપ્ટો ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી ભેજાબાજોએ રૂ.50,40,800ની ઓનલાઇન છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ કામરેજ પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે ફરિયાદી રમેશભાઈ બબલદાસ પટેલ (ઉ.વ.65) ને ગત જૂન 2025માં અનિતા પટેલ નામની મહિલાએ વોટ્સએપ પર મેસેજ કરી પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ અનન્યા શર્મા અને મિસ્ટર પિટર પાઉલ નામના વ્યક્તિઓએ પણ તેમનો સંપર્ક કરી ‘BingX’ અને ‘GTC FX’ જેવી એપ્લિકેશનો ડાઉનલોડ કરાવી ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવા લલચાવ્યા હતા.આરોપીઓએ શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવી એપ્લિકેશનમાં નફો બતાવી વિશ્વાસ સંપાદિત કર્યો હતો.ત્યારબાદ વિવિધ બહાના હેઠળ ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.50,40,800 ટ્રાન્સફર કરાવ્યા હતા.જ્યારે રમેશભાઈએ પોતાના રૂપિયા અને નફો પરત મેળવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આરોપીઓએ ‘વેરિફિકેશન ચાર્જ’ અને ‘ફોરેન ઇન્ડિયન ટેક્સ’ ના નામે વધુ રૂ.31 લાખથી વધુની માંગણી કરી હતી. અંતે રૂપિયા પરત ન મળતા અને સંપર્ક કપાઈ જતાં વૃદ્ધને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.આ મામલે રમેશભાઈએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ કર્યા બાદ, કામરેજ પોલીસે અનિતા પટેલ, અનન્યા શર્મા, મિસ્ટર પિટર પાઉલ અને અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





