નવસારી: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા હથિયારબંધીના જાહેરનામાના અમલ માટે પોલીસ સતર્ક બની છે. રવિવારના રોજ નવસારી ગ્રામ્ય અને બીલીમોરા પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓ સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.
નવસારી રૂરલ પોલીસની ટીમ જ્યારે નશીલપોર થી બારડોલી રોડ પર કોમ્બીંગ પેટ્રોલીંગમાં હતી, ત્યારે શંકાસ્પદ રીતે મોટરસાયકલ પર પસાર થતા અસ્ગરઅલી મુનીરઅલી રાઈન (રહે.ગણેશ સિસોદ્રા ઓવરબ્રીજ સામે) ને અટકાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી આશરે 3 ફૂટ લાંબો લોખંડનો સળીયો મળી આવ્યો હતો. જાહેરનામાનો ભંગ કરવા બદલ એ.એસ.આઈ. સુરેશભાઈ વિષ્ણુભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.બીજી તરફ, બીલીમોરા પોલીસની ટીમ તલોધરોડ ડાંગીવાડ મહોલ્લામાં પેટ્રોલીંગમાં હતી.
આ દરમિયાન જાહેર રોડ પર હાથમાં વાંસનું લાકડું લઈ આંટાફેરા મારતા જયનભાઈ મુકેશભાઈ પટેલ (રહે. ગાયકવાડમીલ ચાલ, બીલીમોરા) ને પોલીસે ઝડપી પાડ્યો હતો. હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતા હોવાનું જણાતા એ.એસ.આઈ. રવિનભાઈ ગોવિંદભાઈએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ 01/03/2026 થી 30/04/2026 સુધી જાહેર સ્થળોએ શસ્ત્રો, દંડા, લાકડી કે શારીરિક હિંસા માટે વપરાતી ચીજો લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ બંને કિસ્સામાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.





