ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઈવે નંબર 80 પર મંગળવારની રાત્રિએ પૂરઝડપે આવી રહેલી એક ઇકો ગાડીના ચાલકે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારતા 26 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સોનગઢના આમલી ગામનો રહેવાસી વિશાલભાઇ અમિશભાઇ ગામીત (ઉ.વ.26) મંગળવારે રાત્રે પોતાની હોન્ડા શાઇન મોટરસાઇકલ નંબર GJ-26-K-5014 પર વડપાડાભીંત ગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો.
આ દરમિયાન સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી મારૂતિ સુઝુકી ઇકો ગાડી નંબર GJ-26-AB-9190 ના ચાલકે વિશાલની બાઇકને સામેથી ટક્કર મારી હતી.આ અકસ્માતમાં વિશાલને માથાના ભાગે અને બંને હાથના કાંડા પર ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત થયું હતું.
ઘટના બાદ ઇકો ગાડીનો ચાલક રણજીતભાઇ કાતુડીયાભાઇ ગામીત (રહે.ભડભુંજા,તા.ઉચ્છલ) પોલીસની પૂછપરછમાં હાજર મળી આવ્યો હતો.મૃતકની પત્ની સોનાલીબેન ગામીતે આ મામલે ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માતને પગલે બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેના કારણે સ્થાનિક પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.





