વ્યારા નગરપાલિકાની આગામી ચૂંટણીના રણશિંગા ફૂંકાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પકડ જમાવી દીધી છે. ચૂંટણી લડ્યા વગર જ પાલિકાની કુલ ૨૮ બેઠકોમાંથી ૯ બેઠકો પર ભાજપે કબ્જો મેળવી લીધો છે. વિરોધ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપની આ જીતનો માર્ગ મોકળો બન્યો છે.
તાજેતરની વિગતો મુજબ, વોર્ડ નંબર ૫ બાદ હવે વોર્ડ નંબર ૭ માં પણ ભાજપનો ભગવો લહેરાયો છે.વોર્ડ નંબર ૭માં આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા ભાજપની આખી પેનલ બિનહરીફ જાહેર થઈ છે. આ જીતને પગલે સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.માત્ર વોર્ડ ૫ અને ૭ જ નહીં, પણ વોર્ડ નંબર ૨ માં પણ ભાજપે એક બેઠક અંકે કરી છે. વોર્ડ નંબર ૨ ની બક્ષીપંચ બેઠક પરથી ભાજપના ઉમેદવાર શ્રીમતી અમિતાબેન અનુપભાઈ ટેલર સામે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
વ્યારા નગરપાલિકાની કુલ ૨૮ બેઠકોમાંથી અત્યાર સુધીમાં ભાજપના ફાળે ૯ બેઠકો આવી ગઈ છે.ચૂંટણીના મતદાન પહેલા જ આટલી મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થતા વિરોધ પક્ષોના સૂપડા સાફ થતા દેખાઈ રહ્યા છે અને ભાજપ સત્તાના શિખર તરફ મજબૂતીથી આગળ વધી રહ્યું છે.





