ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, પરંતુ કાળઝાળ ગરમીની સાથે હવે જનતાનો રોષ પણ નેતાઓ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. સુરતના ભાજપના ગઢ ગણાતા રાંદેર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈ થતાં ચકચાર મચી ગઈ છે. સ્થિતિ એટલી વણસી હતી કે મામલો થાળે પાડવા માટે બે પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ઘટના રાંદેરના ગોરાટ વિસ્તારની છે, જ્યાં લાંબા સમયથી હનુમાન મંદિર અને અશાંતધારાના અમલને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ભાજપના સ્થાનિક ઉમેદવાર હર્ષ મહેતા, વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને પૂર્વ ડ્રેનેજ કમિટી અધ્યક્ષ કેયુર ચપટવાલા સહિતના દિગ્ગજ નેતાઓ જ્યારે મંદિરે દર્શન કરીને સોસાયટીમાં પ્રચાર માટે પહોંચ્યા, ત્યારે સ્થાનિક મહિલાઓએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
મહિલાઓએ ‘ગો બેક’ના નારા લગાવી નેતાઓને પ્રચાર કરતા અટકાવ્યા હતા. આ દરમિયાન વાત એટલી હદે વણસી કે નેતાઓ અને મહિલાઓ વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ હતી.એક વિડિયો વાયરલ થયો છે જેમાં કથિત રીતે ભાજપના નેતા એક મહિલાને ધક્કો મારતા દેખાઈ રહ્યા છે.સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે પુરુષ નેતાઓએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું છે અને ઝપાઝપીમાં તેમને નખ પણ વાગ્યા છે.બીજી તરફ, નેતાઓએ પણ દાવો કર્યો છે કે તેમની સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી હતી, જેમાં તેમને ઈજાઓ પહોંચી છે.ઘટનાની ગંભીરતા જોતા બે પોલીસ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક ગોરાટ વિસ્તારમાં પહોંચી શાંતિ સ્થાપવાના પ્રયાસો કર્યા હતા. આ મામલે રોષે ભરાયેલી મહિલાઓએ કલેક્ટર કચેરી અને જોઈન્ટ પોલીસ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત પણ કરી છે.સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે જનતાના ઉગ્ર રોષ સામે મોટા ગજાના નેતાઓ પણ અંતે નરમ પડ્યા હતા. કાળઝાળ ગરમી વચ્ચે મતદારોનો આ મિજાજ આગામી ચૂંટણી પરિણામો પર કેવી અસર પાડશે તે જોવું રહ્યું.





