કડોદરામાં ગાંજાના છુટક વેચાણનો પર્દાફાશ: ૨૦ હજારના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસ દ્વારા પલસાણા તાલુકાના કડોદરા ગામેથી એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ ૨૦,૮૧૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વિગતો પ્રમાણે સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે કડોદરા ગામની સીમમાં પ્રિયંકા પુલીયા પાસે એક ઇસમ નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સત્યમકુમાર ઉર્ફે સોનું શ્યામસીંગ (ઉ.વ.૨૪) ને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી ગાંજો ૦.૩૯૯ કિલોગ્રામ (કિંમત રૂ.૧૯,૯૫૦/-) તથા અંગઝડતીમાંથી મળેલા રૂ.૮૬૦/- તેમજ પ્લાસ્ટિકની થેલી અને પેપરના કટિંગ્સ મળી આવ્યા હતા.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી છેલ્લા એક માસથી કડોદરા વિસ્તારમાં પડીકીઓ બનાવી ગાંજાનું છુટક વેચાણ કરતો હતો. આ જથ્થો તેને કડોદરાનો જ રહેવાસી હર્ષ દીપક સીંગ પૂરો પાડતો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!