વ્યારા તાલુકાના ઇન્દુ ગામે આવેલી એકલવ્ય રેસીડેન્સી સ્કૂલમાં એક લંપટ શિક્ષક દ્વારા ૧૭ વર્ષીય સગીરાની છેડતી કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ સ્કૂલમાં ફરજ બજાવતા ૨૬ વર્ષીય શિક્ષક અભિષેક તિલકધારીભાઈ યાદવ (મૂળ રહે.ઉત્તર પ્રદેશ) એપ્રિલ ૨૦૨૫થી આ વિદ્યાર્થિનીને પરેશાન કરી રહ્યો હતો. શિક્ષકે વિદ્યાર્થિનીનું સ્કૂલમાં નામ ખરાબ કરવાની ધમકી આપી તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા.
શિક્ષક અભિષેક યાદવ વિદ્યાર્થિની પર પ્રેમ સંબંધ રાખવા માટે સતત દબાણ કરતો હતો અને મોબાઈલ પર મેસેજ મોકલીને તેને માનસિક રીતે હેરાન-પરેશાન કરતો હતો. સામાજિક પ્રતિષ્ઠા અને અભ્યાસ બગડવાની બીકે સગીરા લાંબા સમય સુધી આ ત્રાસ સહન કરતી રહી હતી.શિક્ષકની પજવણી વધી જતાં અંતે વિદ્યાર્થિનીએ હિંમત ભેગી કરી પરિવારને જાણ કરી હતી. આ મામલે સગીરાના વાલીએ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીઆઈ એન.એમ. રાવતે આરોપી શિક્ષક વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





