ગાંધીનગરમાં કર્મયોગી ભવન સામે જાહેર રસ્તા પર ACB એ લાંચનું સફળ છટકું ગોઠવીને પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયરને રૂ.૪૫ હજાર ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
મળતી વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે ટેન્ડર પ્રક્રિયા દ્વારા પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં બે વોટર એ.ટી.એમ. (Water ATM) મશીન લગાવ્યા હતા. આ કામનું બિલ મંજૂર કરવા માટે પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ શંભુજી ચાવડાએ ટકાવારી (કમિશન) પ્રમાણે રૂ.૪૫ હજાર ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી, તેમણે એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કરીને આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે એ.સી.બી.ની ટીમ દ્વારા સોમવારે (તા. ૨૫/૦૫/૨૦૨૬) ગાંધીનગર ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું.કર્મયોગી ભવન સામે જાહેર રસ્તા પર આરોપી રાજદીપસિંહ ચાવડાએ ફરિયાદી સાથે લાંચના નાણાં અંગે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૪૫ હજારની લાંચ સ્વીકારતા જ એ.સી.બી.એ તેને રંગેહાથ પકડી લીધો હતો. એ.સી.બી.એ લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી, આરોપી સામે રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ અને ગુનાહિત ગેરવર્તણૂક બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





