
આ મામલે સત્તાધિકારીઓ સમક્ષ થયેલી એક વિગતવાર ફરિયાદ બાદ સામે આવ્યું હતું કે, મહિલા સભ્ય દ્વારા અલગ-અલગ વર્ષોમાં મેળવવામાં આવેલા જાતિના દાખલાઓમાં ભારે વિસંગતતાઓ રહેલી હતી.
વર્ષ ૨૦૦૯માં મામલતદાર કચેરી સોનગઢ દ્વારા ઇસ્યુ કરાયેલા પ્રમાણપત્રમાં તેમનું નામ ‘ગામીત રેહાનાબહેન રાજુભાઇ’ દર્શાવી, રાજુભાઈને તેમના પતિ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.જ્યારે વર્ષ ૨૦૧૫માં આ પ્રમાણપત્રમાં રેહાનાબેનને રાજુભાઈના ‘પુત્રી’ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જો કે, આ દાખલો મેળવવા માટે પુરાવા તરીકે રજૂ કરાયેલી શાળા છોડ્યાની વિગતો (LC) તપાસતા તેમાં પિતાનું નામ ‘તૂરાપભાઈ ગામીત’ હોવાનું ખુલ્યું હતું.
એક જ વ્યક્તિના પિતા અને પતિના નામો તેમજ કાગળોમાં આ પ્રકારે અલગ-અલગ અને શંકાસ્પદ વિગતો સામે આવતા, સમગ્ર મામલો વિજિલન્સ તપાસ અને આદિજાતિ વિભાગની વિશ્લેષણ સમિતિ સમક્ષ પહોંચ્યો હતો.અરજીના આધારે આ સમગ્ર કેસની ઊંડાણપૂર્વકની તપાસ વિજીલન્સ સેલને સોંપવામાં આવી હતી. વિજીલન્સ સેલ દ્વારા રજૂ કરાયેલા અહેવાલો, પુરાવાઓ તેમજ સુનાવણી દરમિયાન સામે આવેલા દસ્તાવેજોને ધ્યાને રાખીને સુરત ખાતે મળેલી વિભાગીય વિશ્લેષણ સમિતિની બેઠકમાં આખરે મોટો નિર્ણય લેવાયો છે. સમિતિએ સ્વીકાર્યું છે કે મહિલા સભ્યનું આદિજાતિ પ્રમાણપત્ર નિયમ વિરુદ્ધનું છે અને તેને તાત્કાલિક અસરથી અમાન્ય ઠેરવવામાં આવે છે.
“આ પ્રક્રિયા હાલ કોર્ટમાં ચાલુ છે” : રેહાનાબેન આ ગંભીર અને સંવેદનશીલ મુદ્દે સત્યતા જાણવા માટે ‘તાપીમિત્ર’ અખબારના તંત્રી મહેશભાઈ દ્વારા જિલ્લા પંચાયતના મહિલા સભ્ય રેહાનાબેન ગામીત સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીત દરમિયાન તેમણે પોતાનો પક્ષ ટૂંકમાં રજૂ કરતા જણાવ્યું હતું કે, “આ સમગ્ર પ્રક્રિયા હાલ કોર્ટમાં ચાલુ છે.”ખોટા પ્રમાણપત્રોના આધારે અનામત બેઠકો પર ચૂંટણી લડીને અસલી આદિવાસીઓનો હક છીનવી લેવાના આ કિસ્સામાં સમિતિના આકરા વલણ બાદ હવે આગામી દિવસોમાં રાજકીય તેમજ કાનૂની મોરચે કેવા વળાંકો આવે છે તે જોવું રહ્યું.





