યવત (પુણે): પુણે જિલ્લાના દૌંડ તાલુકામાં ચાલતા એક મોટા ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણ અને ગર્ભપાતના રૅકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોઈ તબીબી ડિગ્રી ધરાવતો નથી, પરંતુ માત્ર ૧૨મું ધોરણ પાસ છે. બી. ફાર્મસીના પહેલા જ વર્ષમાં ફેઈલ થયેલા આ આરોપીએ સગર્ભા મહિલાઓના ગર્ભપાત માટે ડૉક્ટરોનું એક આખું નેટવર્ક ઊભું કર્યું હતું.
દૌંડ તાલુકાના કેડગાંવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભ્રૂણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવાનો એક વીડિયો તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને આરોગ્ય અધિકારીએ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે યવત પોલીસે તપાસ હાથ ધરીને મુખ્ય આરોપી અણ્ણાસાહેબ ગિરિ (ઉં.વ. ૪૨) અને તેની સાથે સંકળાયેલા એક આયુર્વેદિક ડૉક્ટર અતુલ જાધવની ધરપકડ કરી છે. ડૉ. જાધવ BAMS (બેચલર ઑફ આયુર્વેદિક મેડિસિન ઍન્ડ સર્જરી) ની ડિગ્રી ધરાવે છે, જ્યારે મુખ્ય આરોપી ગિરિ કોઈપણ તબીબી લાયકાત વિના જ આ કાળો કારોબાર ચલાવતો હતો.
યવત પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર નારાયણ દેશમુખના જણાવ્યા અનુસાર, આરોપી ગિરિ વર્ષ ૨૦૨૪થી આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સક્રિય હતો. તે ભ્રૂણ પરીક્ષણ માટે મોબાઈલ એપ્લિકેશન સાથે કનેક્ટ થઈ શકે તેવા ચીની બનાવટના પોર્ટેબલ અલ્ટ્રાસાઉન્ડ મશીનનો ઉપયોગ કરતો હતો. પોલીસે આ મશીન જપ્ત કરી લીધું છે.પોલીસે આ પ્રતિબંધિત મશીન સપ્લાય કરનાર વ્યક્તિની ઓળખ નરેન્દ્ર ઠાકરે તરીકે કરી છે. ઠાકરે હાલ અન્ય એક પોલીસ સ્ટેશનમાં આવા જ ગુના હેઠળ જેલમાં હોવાથી, યવત પોલીસ ટૂંક સમયમાં તેનો કબજો મેળવી પૂછપરછ કરશે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગિરિ પ્રત્યેક ભ્રૂણ પરીક્ષણ માટે રૂ. ૫,૦૦૦થી રૂ. ૧૫,૦૦૦ સુધીની રકમ વસૂલતો હતો.આરોપીના દાવા મુજબ તે દર મહિને સરેરાશ ૧vis થી ૨૦ મહિલાઓનું પરીક્ષણ કરતો હતો.જો તપાસ દરમિયાન ગર્ભમાં કન્યાભ્રૂણ હોવાની ખાતરી થાય, તો તે સગર્ભા મહિલાને ગર્ભપાત (એબોર્શન) કરાવવા માટે પોતાના નેટવર્કના ડૉક્ટરો પાસે મોકલતો હતો.હાલ પોલીસ ગિરિના સંપર્કમાં રહેલા અને આ ગેરકાયદેસર કૃત્યમાં મદદ કરનારા અન્ય બે ડૉક્ટરોની સખત શોધખોળ ચલાવી રહી છે. આ કેસમાં આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે.





