સુરત ગ્રામ્ય: પીપોદરાના માથાભારે ઇસમ સંગ્રામ અલગોતરને ૬ મહિના માટે તડીપાર કરાયો

માંગરોલ: સુરત ગ્રામ્ય જીલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ ડામી દેવા અને રીઢા ગુનેગારો સામે કાયદાકીય પગલાં લેવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના આધારે પાલોદ પોલીસે મોટી કામગીરી કરી છે. પાલોદ પોલીસ સ્ટેશનની હદમાં પીપોદરા ખાતે રહેતા અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર માથાભારે ઇસમને ૬ મહિના માટે તડીપાર (હદપાર) કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, તડીપાર કરાયેલા આરોપીનું નામ સંગ્રામભાઇ શેલાભાઇ અલગોતર (ઉંમર વર્ષ ૪૧,ધંધો-પશુપાલન) છે. તે હાલ રણછોડ નગર, ભંભોરા પાટીયા, પીપોદરા (તા.માંગરોલ,જી.સુરત) ખાતે રહે છે અને મૂળ અમદાવાદના ધંધુકા તાલુકાના વાગડ ગામનો વતની છે.સંગ્રામ અલગોતરે મારામારી કરવા માટે માથાભારે માણસોની એક આખી ટોળકી બનાવી રાખી હતી. આ ટોળકીના માણસો પોતાની પાસે તલવાર, લાકડી, સ્ટીલની પાઇપો અને હોકી જેવા જીવલેણ હથિયારો રાખતા હતા. જો કોઈ વ્યક્તિ તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓનો વિરોધ કરે તો જાહેરમાં તેની સાથે તકરાર કરી, મારપીટ કરીને આતંકનું વાતાવરણ ઉભું કરવામાં આવતું હતું.

વર્ષ ૨૦૨૪માં તેની સામે કોસંબા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે નાણાં ધીરધાર (વ્યાજખોરી), બળજબરીથી પૈસા પડાવવા અને જાનથી મારી નાખવાની કોશિશ જેવા ગંભીર ગુનાઓ નોંધાયા હતા. આરોપીની આવી અસામાજીક પ્રવૃત્તિઓથી જનજીવન અસ્તવ્યસ્ત થતાં પોલીસે તેને હદપાર કરવા માટે દરખાસ્ત મોકલી હતી. જેના આધારે માંડવી પ્રાંતના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા સંગ્રામ અલગોતરને સુરત ગ્રામ્ય,સુરત શહેર,ભરૂચ,નવસારી,નર્મદા અને તાપી એક કુલ ૬ જિલ્લાઓમાંથી ૬ મહિના માટે તડીપાર કરવાનો હુકમ કર્યો છે.

error: Content is protected !!