ગુજરાતનાં સાપોના ઝેરમાંથી બનશે પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમ, સર્પદંશથી થતા મૃત્યુ ઘટાડવામાં મળશે મદદ

ગુજરાતમાં સર્પદંશની સારવારને વધુ અસરકારક બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર (Snake Research Institute-SRI) દ્વારા ગુજરાતના ઝેરી સાપોમાંથી એકત્રિત કરાયેલ લાયોફિલાઇઝ્ડ (ફ્રીઝ-ડ્રાઇડ) ઝેર તેલંગાણાની લાઇસન્સ ધરાવતી એન્ટી-સ્નેક વેનમ ઉત્પાદક કંપનીને સોંપવામાં આવ્યું છે. આ ઝેરના આધારે હવે ગુજરાત માટે પ્રદેશ-વિશિષ્ટ (Region-specific) એન્ટી-સ્નેક વેનમ તૈયાર કરવામાં આવશે.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં સર્પદંશથી થતા મૃત્યુ ઘટાડવાના હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર ધરમપુરનું સર્પ સંશોધન કેન્દ્ર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની માર્ગદર્શિકા મુજબ સાપોમાંથી ઉચ્ચ ગુણવત્તાનું ઝેર એકત્રિત કરે છે.

ગયા અઠવાડિયે ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન (GFRF) હેઠળ કાર્યરત સર્પ સંશોધન કેન્દ્રે તેલંગાણાની વિન્સ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડને ઝેરનો જથ્થો સોંપ્યો હતો. કંપની હવે ગુજરાતના સ્થાનિક ઝેરી સાપોના ઝેરના આધારે એન્ટી-સ્નેક વેનમ બનાવવાની પ્રક્રિયા શરૂ કરશે. પ્રથમ જથ્થો ટૂંક સમયમાં રાજ્યને મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.સોંપાયેલા ઝેરમાં ભારતીય નાગનું 33.37 ગ્રામ, કાળોતરાનું 2.67 ગ્રામ, ખડચિતળાનું 30.82 ગ્રામ અને ફુરસાનું 1.71 ગ્રામ ઝેર સામેલ છે.

પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમ કેમ જરૂરી ? નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એક જ પ્રજાતિના સાપનું ઝેર પણ અલગ-અલગ ભૌગોલિક વિસ્તારોમાં અલગ ગુણધર્મ ધરાવતું હોય છે. તેથી અન્ય રાજ્યોના સાપોના ઝેર પરથી બનેલી એન્ટી-સ્નેક વેનમ ગુજરાતમાં દરેક કેસમાં સંપૂર્ણ અસરકારક સાબિત થતી નથી. સ્થાનિક સાપોના ઝેર પરથી તૈયાર થતી રસી વધુ અસરકારક હોવાથી ઓછા ડોઝમાં સારવાર શક્ય બને છે અને ગંભીર જટિલતાઓનું જોખમ પણ ઘટે છે.ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશનના ડાયરેક્ટર એસ. કે. શ્રીવાસ્તવે જણાવ્યું કે વર્ષ 2022 દરમિયાન દેશમાં વન્યજીવોના હુમલામાં 550 લોકોના મોત થયા હતા, જ્યારે સર્પદંશથી અંદાજે 65 હજાર લોકોના જીવ ગયા હતા. તેમણે કહ્યું કે પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમ સર્પદંશથી થતા મૃત્યુ ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્રમાં હાલમાં ગુજરાતમાં જોવા મળતી મુખ્ય ઝેરી પ્રજાતિના આશરે 471 સાપો રાખવામાં આવ્યા છે. અહીં WHOના ધોરણો મુજબ ઝેર કાઢીને તેનું વૈજ્ઞાનિક રીતે પ્રોસેસિંગ કરી લાયોફિલાઇઝ્ડ સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ લાઇસન્સ ધરાવતી કંપનીઓને પૂરું પાડવામાં આવે છે.રાજ્ય સરકારે સંસ્થાના વિસ્તરણ માટે વલસાડ જિલ્લામાં 2.25 હેક્ટર જમીન ફાળવી છે અને આધુનિક સંશોધન તથા તાલીમ સુવિધા માટે ₹11.68 કરોડની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે.

ભારત સરકારે 2024માં ‘નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેકબાઇટ એન્વેનોમિંગ (NAP-SE)’ શરૂ કર્યો છે. તેનો હેતુ વર્ષ 2030 સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુ અને અપંગતામાં 50 ટકા ઘટાડો કરવાનો છે. ગુજરાતનું પ્રદેશ-વિશિષ્ટ એન્ટી-સ્નેક વેનમ આ રાષ્ટ્રીય લક્ષ્ય હાંસલ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

error: Content is protected !!