વ્યારા-માંડવી રોડ પર કટાસવાણ ગામ નજીક બૂટલેગરોની દાદાગીરી અને કાયદાના ખોફ વગર દારૂનું કાર્ટિંગ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દારૂની હેરાફેરી દરમિયાન અકસ્માત સર્જાયા છતાં, આરોપીઓએ કોઈ પણ ધાક વગર ઘટનાસ્થળેથી જ બીજી કારમાં દારૂનો જથ્થો શિફ્ટ કરી સગેવગે કર્યો હતો. આખરે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કાકરાપાર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, રાકેશ ઉર્ફે પકો ગામીત પોતાની સેન્ટાફી કારમાં સેલ્વાસથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ નો જથ્થો ભરીને સંતાડવા જઈ રહ્યો હતો.જોકે વ્યારાના કટાસવાણ ગામે કારને અકસ્માત નડ્યો હતો.અકસ્માતમાં દારૂની બોટલો અને પેટીઓ તૂટી જવા છતાં, આરોપીઓએ પોલીસ પકડાઈ જવાના ડરથી તાત્કાલિક અન્ય XUV કાર બોલાવી લીધી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂની અડધી તૂટેલી તથા આખી બોટલો અને ખોખાં બીજી કારમાં ભરી લેવાયાં હતાં. ત્યારબાદ આ જથ્થો નજીકની વરસાદી નદીના પાણીમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો.
આ મામલે કાકરાપાર પોલીસ ઇન્સ્પેક્ટરે તપાસ હાથ ધરી મુખ્ય આરોપી રાકેશભાઈ ઉર્ફે પકો સુમનભાઈ ગામીત (રહે. ખુશાલપુરા) અને મદદગારી કરનાર સૌરભભાઈ રાજેશભાઈ ગામીત (રહે.ગાલખડી) સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઘટનામાં વપરાયેલી બંને ગાડીઓ અંગે વધુ તપાસ શરૂ કરી છે.





