નાગપુર: હાવડા-મુંબઈ દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં RPF અને DRIની સંયુક્ત કાર્યવાહીમાં રૂ. 1.96 કરોડથી વધુ કિંમતનું 1.242 કિલોગ્રામ વિદેશી સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ સોનાની આંતરરાજ્ય હેરાફેરી સાથે સંકળાયેલા નેટવર્ક અંગે તપાસ તેજ કરવામાં આવી છે.
ગુપ્ત બાતમીના આધારે રાયપુર અને નાગપુર RPF ક્રાઇમ બ્રાન્ચની ટીમે DRI નાગપુરના અધિકારીઓ સાથે મળીને ટ્રેનમાં તપાસ હાથ ધરી હતી. રાયપુરથી નાગપુર વચ્ચે ટ્રેનની તપાસ દરમિયાન ભંડારા અને નાગપુર વચ્ચે B-12 કોચમાં બેઠેલા બે શંકાસ્પદ મુસાફરો પર ટીમની નજર પડી હતી.બંને મુસાફરોની તપાસ કરતાં તેમની પાસેથી સાત સોનાના બિસ્કિટ અને એક ગોલ્ડ બાર, મળી કુલ 1.242 કિલોગ્રામ વિદેશી સોનું મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા સોનાની કિંમત આશરે રૂ. 1 કરોડ 96 લાખ આંકવામાં આવી છે.બંને શંકાસ્પદોને જપ્ત કરાયેલા સોના સાથે વધુ કાર્યવાહી માટે DRI નાગપુરને સોંપવામાં આવ્યા છે. DRI દ્વારા કસ્ટમ્સ અધિનિયમ, 1962ની કલમ 135 હેઠળ કેસ નોંધીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.તપાસ એજન્સી હવે આ સોનું ક્યાંથી લાવવામાં આવ્યું હતું, ક્યાં પહોંચાડવાનું હતું અને સમગ્ર હેરાફેરીમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે અંગે તપાસ કરી રહી છે. આશરે બે કરોડ રૂપિયાના વિદેશી સોનાની જપ્તી બાદ આ મામલે સંભવિત આંતરરાજ્ય તસ્કરી નેટવર્ક પર તપાસ એજન્સીઓનું વિશેષ ધ્યાન કેન્દ્રિત થયું છે.





