અમદાવાદ, તા.19: પાલડી સબ પોસ્ટ ઓફિસમાં એન.ડી.સી. પાર્સલ કચેરી ખાતે ઓર્ડર ન કરવા માટે રૂ.30 હજારની લાંચની માંગણી કરનાર સબ પોસ્ટ માસ્ટરને એ.સી.બી.એ રૂ.10 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
એ.સી.બી.ના જણાવ્યા મુજબ, આરોપી પલ્લવી કિરણકુમાર ઉપાધ્યાય (ઉં.59), સબ પોસ્ટ માસ્ટર, એચ.એસ.જી.-2 સામે એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી. ફરિયાદીના ઓર્ડર એન.ડી.સી. પાર્સલ કચેરી ખાતે ન કરવા માટે આરોપીએ રૂ.30 હજારની લાંચની માંગણી કરી હતી. રકઝક બાદ રૂ.10 હજાર આપવાનું નક્કી થયું હતું.
ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ મહેસાણા એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. પટેલ તથા ટીમે છટકું ગોઠવ્યું હતું. પાલડી સબ પોસ્ટ ઓફિસમાં આરોપીએ ફરિયાદી પાસેથી રૂ.10 હજારની લાંચ સ્વીકારતાં એ.સી.બી.ની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. આરોપી પાસેથી રૂ.10 હજારની લાંચની રકમ પણ કબજે કરવામાં આવી હતી. ઘટનાને પગલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





