Latest News: મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે વિશેષ કમિટી રચાશે,ગ્રેડ-પે સહિતના પડતર પ્રશ્નો અંગે સરકારનો હકારાત્મક અભિગમ

ગાંધીનગર: ગુજરાત રાજ્યના મહેસૂલી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અને ગ્રેડ-પે સહિતની માંગણીઓ અંગે રાજ્ય સરકારે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. આ મુદ્દે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડા તથા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ સહિતના અધિકારીઓ અને મહેસૂલી કર્મચારી મંડળના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં મહેસૂલી કર્મચારીઓની ગ્રેડ-પે અંગેની મુખ્ય માંગણી સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નોના ઉકેલ માટે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને વિશેષ કમિટી રચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને કર્મચારીઓના પ્રશ્નોના કાયમી અને દૂરગામી ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરશે.

સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના નાગરિકોને દૈનિક વહીવટી કામગીરીમાં કોઈ મુશ્કેલી ન પડે અને જાહેર સેવાઓને અસર ન થાય તે બાબતને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સાથે જ કર્મચારી મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અંગે સરકાર અને કર્મચારીઓ વચ્ચે સંવાદ જળવાઈ રહે તે માટે કમિટી સ્તરે નિયમિત ચર્ચા-વિચારણા કરવાનો પણ નિર્ણય લેવાયો છે.સરકારના આ અભિગમને મહેસૂલી કર્મચારી મંડળના અગ્રણીઓએ આવકાર્યો હતો અને બેઠકમાં સંતોષ વ્યક્ત કર્યો હતો. પરિણામે બેઠક સુમેળભર્યા વાતાવરણમાં પૂર્ણ થઈ હતી.

બેઠકમાં સેટેલમેન્ટ કમિશનર આર્દ્રા અગ્રવાલ, મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ વિજય રાવલ, મહામંત્રી પંકજ દેસાઈ, ઉપપ્રમુખ પંકજ પરમાર, સંગઠન મંત્રી સંજય પ્રજાપત અને ખજાનચી રાજ એ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!