બારડોલી કોર્ટનો ચુકાદો: વ્યારાના ‘સહયોગ ફાઇનાન્સ’ના દિગન ગામીતને 2 વર્ષની જેલ

બારડોલી: નવી થાર રોક્સ (Thar Roxx) કાર અપાવવાના બહાને ગ્રાહક પાસેથી ₹4.25 લાખ મેળવ્યા બાદ ન તો વાહન અપાવ્યું કે ન તો નાણાં પરત કર્યા હોવાના કેસમાં બારડોલીની અદાલતે ખાનગી ફાઈનાન્સરને દોષિત ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળના ચેક બાઉન્સ કેસમાં અદાલતે આરોપીને ફરિયાદીને ₹4.25 લાખ વળતર તરીકે ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. વળતરની રકમ નહીં ચૂકવવામાં આવે તો વધુ સાત દિવસની સાદી કેદ ભોગવવાની રહેશે.કેસની વિગતો મુજબ, બારડોલીના શિરડીધામ રેસિડેન્સીમાં રહેતા વિનયભાઈ ધૈર્યશીલભાઈ ભોસલે નવી થાર રોક્સ કાર ખરીદવા માટે લોન મેળવવા માગતા હતા. તેમના મિત્ર બાલુભાઈ ગામિત મારફતે તેમનો પરિચય વ્યારા, જિલ્લા તાપીના દિગન ઈશ્વરભાઈ ગામિત સાથે થયો હતો. દિગન ગામિત ‘સહયોગ પ્રોજેક્ટ ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ રિટેલ’ના નામે ખાનગી ફાઈનાન્સનું કામ કરતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આરોપીએ 15 દિવસમાં લોનની તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને કાર સીધી ફરિયાદીના ઘરે પહોંચાડી આપવાની ખાતરી આપી હતી. આ ખાતરીના આધારે ફરિયાદીએ 31 ઓક્ટોબર, 2025ના રોજ એચડીએફસી બેંકના ચેક અને રોકડ મારફતે કુલ ₹4.25 લાખ ડાઉન પેમેન્ટ પેટે ચૂકવ્યા હતા.

ફરિયાદ મુજબ, નાણાં મેળવ્યા બાદ આરોપીએ લોનની પ્રક્રિયા પૂર્ણ કરી નહીં અને કાર પણ અપાવી નહીં. ત્યારબાદ 9 ડિસેમ્બર, 2025ના રોજ આરોપીએ કેન્સલેશન લેટર પર સહી કરીને 30 દિવસમાં રકમ પરત આપવાનું વચન આપ્યું હતું. જોકે, નિર્ધારિત સમયમર્યાદામાં નાણાં પરત કરવામાં આવ્યા નહોતા.આખરે 16 જાન્યુઆરી, 2026ના રોજ આરોપીએ ફરિયાદીને ₹4.25 લાખનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, વ્યારા શાખાનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક બેંકમાં જમા કરાવતાં તે ખાતામાં અપૂરતા ભંડોળ (Funds Insufficient)ના કારણે પરત ફર્યો હતો.

આરોપીને કાનૂની નોટિસ પાઠવવા છતાં રકમ પરત ન મળતાં ફરિયાદીએ બારડોલીની અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે નાણાંની ચુકવણી ટાળવા માટે આરોપીએ ફરિયાદી અને તેમના મિત્ર વિરુદ્ધ વ્યારા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

કેસની સુનાવણી દરમિયાન આરોપી સતત અદાલતમાં ગેરહાજર રહ્યો હતો. તેણે ફરિયાદી પક્ષના પુરાવાનું ખંડન કરવા ક્રોસ-એક્ઝામિનેશન પણ કર્યું નહોતું અને પોતાના બચાવમાં કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા.બારડોલીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જયેશ એલ. પરમારે કેસમાં રજૂ થયેલા દસ્તાવેજી પુરાવા, ચેક, બેંક સ્ટેટમેન્ટ, રસીદ સહિતના રેકોર્ડના આધારે દિગન ઈશ્વરભાઈ ગામિતને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠેરવ્યા હતા.

અદાલતે આરોપીને બે વર્ષની સાદી કેદની સજા ફટકારીને ફરિયાદીને ₹4.25 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. વળતરની રકમ નહીં ચૂકવવામાં આવે તો વધારાની સાત દિવસની સાદી કેદની સજા ભોગવવાનો પણ આદેશ કરાયો છે. આરોપીની અદાલતમાં ગેરહાજરીને પગલે તેની સામે કન્વિક્શન વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે.

error: Content is protected !!