ગાંધીનગર: ગુજરાતમાં ભાડૂઆત અને મિલકત માલિકો વચ્ચેના વિવાદોના ઝડપી નિકાલ માટે રાજ્ય સરકાર ‘ગુજરાત ભાડા અધિનિયમ-૨૦૨૬’ લાવવાની તૈયારીમાં છે. આગામી સપ્તાહે વિધાનસભાના ચોમાસુ સત્રમાં નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ વિધેયક રજૂ કરવામાં આવશે.
નવા કાયદા હેઠળ ભાડા સંબંધિત વિવાદોના નિકાલ માટે ભાડા અધિકારી, ભાડા કોર્ટ અને ભાડા ટ્રિબ્યુનલ એમ ત્રિ-સ્તરીય વ્યવસ્થા ઊભી કરાશે. કેસોના અંતિમ નિકાલ માટે મહત્તમ બે વર્ષની સમયમર્યાદા નક્કી કરવાની જોગવાઈ છે.રાજ્યમાં રહેણાંક મકાનો, દુકાનો, કોમર્શિયલ ગોડાઉન અને ખુલ્લા પ્લોટ સહિતની ૪.૫૦ લાખથી વધુ ખાલી મિલકતોને ભાડે આપવા માલિકોને કાનૂની સુરક્ષા મળવાની શક્યતા છે. રજિસ્ટર્ડ ભાડા કરારની શરતો બંને પક્ષો માટે બંધનકર્તા રહેશે. ભાડાની મુદત પૂર્ણ થયા બાદ મિલકત ખાલી ન કરાય તો ઊંચા દરે ભાડું વસૂલવાની જોગવાઈ પણ રહેશે.
આ ઉપરાંત પ્રોપર્ટી બ્રોકર્સને કાયદાના દાયરામાં લાવવામાં આવશે, જ્યારે સરકારી અને ટ્રસ્ટની મિલકતોને મુક્તિ આપવામાં આવશે. મકાનમાલિકે ભાડે આપેલી મિલકતમાં પ્રવેશતા પહેલાં ૨૪ કલાક અગાઉ ભાડૂઆતને જાણ કરવી પડશે.





