વડોદરા રેલવે લૂંટ કેસમાં મોટો ખુલાસો: ગોધરાની ‘સિગ્નલ ફળિયા ગેંગ’નું પાકિસ્તાન કનેક્શન બહાર આવ્યું

પશ્ચિમ રેલવે અંતર્ગત વડોદરા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સક્રિય અને આતંકનો પર્યાય બનેલી ગોધરાની કુખ્યાત ‘સિગ્નલ ફળિયા ગેંગ’ના સભ્યોની ધરપકડ બાદ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આ ટોળકીનું પાકિસ્તાન કનેક્શન સપાટી પર આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ગુજસીટોકના ગુનામાં ઝડપાયેલા મુખ્ય આરોપી ખાલીદ પોસ્તીએ કબૂલાત કરી છે કે તે અગાઉ પોતાના મિત્રો અને પરિવાર સાથે પાકિસ્તાન જઈ આવ્યો હતો.

સિગ્નલ ફળિયા ગેંગ સામે ધાડ, રેલવે સંપત્તિની ચોરી, સરકારી કર્મચારીઓ પર હુમલા, હત્યાનો પ્રયાસ, મુસાફરોના પર્સ અને કિંમતી સામાનની ચીલઝડપ, ગૌમાંસનો ગેરકાયદેસર સંગ્રહ તેમજ દારૂની હેરાફેરી જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.શરૂઆતમાં આ ટોળકીના ૬ સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી. જોકે, પોલીસની સઘન પૂછપરછમાં અન્ય નામો ખૂલતા અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા ૧૨ પર પહોંચી ગઈ છે.

પોલીસ તપાસમાં આ ગેંગની ચોરી અને લૂંટ ચલાવવાની ચોંકાવનારી પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) સામે આવી છે.આરોપીઓ રેલવે સ્ટેશનથી આશરે અડધો કિલોમીટર દૂર આવેલા આઉટર કે હોમ સિગ્નલ પાસેના ઇલેક્ટ્રિક બોક્સમાં ધાતુનો ટુકડો મૂકી દેતા હતા.ટેકનિકલ ખામી સર્જાવાને કારણે સિગ્નલ લાઇટ આપોઆપ ‘લાલ’ થઈ જતી હતી.લાલ સિગ્નલ જોઈને લોકોપાયલોટ (ટ્રેનના ડ્રાઇવર) ટ્રેનની ગતિ ધીમી કરતા અથવા ટ્રેન ઊભી રાખવા મજબૂર બનતા હતા. ટ્રેન થોભતાની સાથે જ ગેંગના સભ્યો પેસેન્જર ટ્રેનમાં ચઢી જતા અને બારી પાસે બેઠેલા મુસાફરોના કિંમતી સામાન અને પર્સ ઝૂંટવીને અંધારામાં ફરાર થઈ જતા હતા.આ ટોળકી માત્ર લૂંટફાટ સુધી સીમિત નહોતી, પરંતુ તેઓ ટ્રેન ડિરેલમેન્ટ (પાટા પરથી ઉતારવા) જેવા ભયાનક કૃત્યો પણ કરતા હતા. રેલવે ટ્રેકના બંને પાટાઓને જોડતી ‘ફિશ પ્લેટ’ને નુકસાન પહોંચાડીને અથવા તેને સંપૂર્ણ કાઢી નાખીને ટ્રેન ઉથલાવી દેવાનો પણ આ ગેંગ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે મોટા રેલવે અકસ્માતનું કારણ બની શકત. આરોપી ખાલીદ ઉર્ફે ચકલા ઉર્ફે બકુલ શોકત પોસ્તીની પૂછપરછમાં મોટો વળાંક આવ્યો છે. ખાલીદે સ્વીકાર્યું છે કે વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન તે પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે આશરે ૨૫થી ૩૦ દિવસ સુધી પાકિસ્તાનમાં રોકાયો હતો.

આ ખુલાસા બાદ પોલીસ હવે આ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે: ૧. આરોપી કયા માધ્યમથી અને શા માટે પાકિસ્તાન ગયો હતો? ૨. પાકિસ્તાન જવા-આવવા અંગે સ્થાનિક પોલીસ સ્ટેશન કે વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી કે કેમ? ૩. પાકિસ્તાન રોકાણ દરમિયાન તે ત્યાં કોના સંપર્કમાં હતો અને કોઈ દેશવિરોધી સંગઠન સાથે તેની કડીઓ જોડાયેલી છે કે નહીં? હાલમાં રેલવે પોલીસ અને ઉચ્ચ તપાસ એજન્સીઓ આ સમગ્ર નેટવર્કને તોડી પાડવા માટે કાયદેસરની કડક કાર્યવાહી કરી રહી છે.

 

error: Content is protected !!