બારડોલી તાલુકાના ઉમરાખ ગામે પ્રેમ પ્રકરણમાં એક યુવાનની નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે. પત્ની સાથેના આડા સંબંધોનો વિરોધ કરવા ગયેલા પતિ પર પત્નીના પ્રેમીએ છાતીના ભાગે ચપ્પુના ત્રણ-ચાર ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આટલું જ નહીં, આરોપીએ ગુનાને અકસ્માત કે આત્મહત્યામાં ખપાવવા માટે લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતકના હાથમાં જ હત્યામાં વપરાયેલું ચપ્પુ મૂકીને ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે મૂળ કામરેજ ચાર રસ્તા પાસે રહેતા દક્ષાબેન ઝીંઝુવાડીયાના પુત્ર અમિતના લગ્ન ભાવનાબેન નામની મહિલા સાથે થયા હતા. ભાવનાબેન હાલ ઉમરાખ ગામની શિવાંતા સોસાયટીમાં રહેતા હતા. અમિતની પત્ની ભાવનાને મિતેશ હરીશભાઈ કંટારીયા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. મંગળવાર, ૨૮ એપ્રિલ ૨૦૨૬ની રાત્રે અંદાજે ૮:૩૦ થી ૯:૦૦ વાગ્યાના અરસામાં અમિત પોતાની પત્નીને મળવા માટે શિવાંતા સોસાયટી પહોંચ્યો હતો. ત્યાં તેણે તેની પત્ની ભાવનાને પ્રેમી મિતેશ કંટારીયા સાથે ઘરની બહાર વાતચીત કરતા જોઈ હતી. અમિતે પોતાની પત્નીને પૂછ્યું હતું કે, “તું આ મિતેશ સાથે કેમ સંબંધ રાખે છે?”. આ પ્રશ્ન પૂછતા જ મામલો બિચક્યો હતો અને ત્રણેય વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો શરૂ થયો હતો.ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે આવેશમાં આવી ગયેલા મિતેશ કંટારીયાએ પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી અમિતના છાતીના ભાગે ત્રણ-ચાર ઘા ઝીંકી દીધા હતા. જીવ બચાવવા માટે અમિતે હાથ આડો ધરતા તેની આંગળી પણ કપાઈ ગઈ હતી.
ગંભીર ઈજાઓને કારણે અમિત લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ ઝપાઝપીમાં આરોપી મિતેશને પણ હાથમાં ઈજા થઈ હતી. હત્યા કર્યા બાદ આરોપીએ ચાલાકી વાપરી હતી. તેણે હત્યામાં વાપરેલું હથિયાર (ચપ્પુ) મૃતક અમિતના જ હાથમાં મૂકી દીધું હતું જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય, અને ત્યારબાદ તે અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતા જ બારડોલી રૂરલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકની માતા દક્ષાબેનની ફરિયાદના આધારે પોલીસે આરોપી મિતેશ હરીશભાઈ કંટારીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





