ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ

અમેરિકા : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો છે. પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન તેને ગોળી વાગી હતી. આ ફાયરિંગની ઘટનામાં ટ્રમ્પ ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રમ્પના ચહેરા અને કાન પર લોહીના નિશાન દેખાઈ રહ્યા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હાલમાં ટ્રમ્પ ખતરાની બહાર છે. તેની હેલ્થ સારી છે. સિક્રેટ સર્વિસે બંને શૂટરોને મારી નાખ્યા છે. હુમલા બાદ ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું, ‘મને મારા જમણા કાનના ઉપરના ભાગમાં ગોળી વાગી હતી. ગોળી કાનના ઉપરના ભાગમાં વીંધીને બહાર નીકળી હતી. ખૂબ લોહી વહેતું હતું. ભગવાન અમેરિકાનું ભલું કરે.’ પૂર્વ રાષ્ટ્રપતિ પર ફાયરિંગની આ ઘટના બાદ અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. રેલીમાં હાજર એક વ્યક્તિનું ગોળી વાગવાથી મોત થયું હતું.

એવું કહેવાય છે કે એક શૂટર ભીડમાં હતો જ્યારે બીજો શૂટર ત્યાં એક બિલ્ડિંગની છત પર હાજર હતો. શૂટર ટ્રમ્પથી 100 ફૂટ દૂર આવેલી બિલ્ડિંગની છત પર હતો. ત્યાંથી તેણે ટ્રમ્પ પર નિશાન સાધ્યું હતું. સિક્રેટ સર્વિસે બંને શૂટરોને મારી નાખ્યા છે. ગોળી માર્યા બાદ પણ ટ્રમ્પે નારા લગાવવાનું ચાલુ રાખ્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ પર ગોળીબાર બાદ ન્યૂયોર્કમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. ટ્રમ્પ પર ફાયરિંગ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, મને ટ્રમ્પની રેલીમાં ફાયરિંગની માહિતી મળી હતી. હું એ જાણીને ખુશ છું કે તે સુરક્ષિત છે. હું તેમના અને તેમના પરિવાર માટે અને રેલીમાં સામેલ દરેક વ્યક્તિ માટે પ્રાર્થના કરું છું. જીલ અને હું તેમને સલામતી સુધી પહોંચાડવા માટે સિક્રેટ સર્વિસના આભારી છીએ. અમેરિકામાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. પૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આપણા લોકતંત્રમાં રાજકીય હિંસા માટે બિલકુલ સ્થાન નથી. જો કે અમને હજુ પણ ખબર નથી કે ખરેખર શું થયું. આપણે બધાએ રાહત અનુભવવી જોઈએ કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગંભીર ઈજા પહોંચી નથી અને હું તેમને ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું.

error: Content is protected !!