સુરત ગ્રામ્યના કીમ પોલીસ સ્ટેશનની ટીમે સ્યાદલા ગામમાં આવેલા આનંદ ઇકો પાર્કમાંથી ૧૫૬૦ કિલોગ્રામ લોખંડના સળિયાની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરી કરનાર કંપનીના જ સુપરવાઈઝર (નોકર) અને ભંગારના વેપારી સહિત બે આરોપીઓને મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આનંદ ઇકો પાર્ક-૧ ના પ્લોટ સામે ખુલ્લી જગ્યામાં પડેલા નવા લોખંડના સળિયાના ઢગલામાંથી ત્યાં જ સુપરવાઈઝર તરીકે નોકરી કરતા કૈયુરભાઇ અરવિંદભાઇ રાદડીયા (રહે. યોગી ચોક, સુરત, મૂળ અમરેલી) એ રૂ.૯૦,૪૦૦ની કિંમતના ૧૫૬૦ કિલો સળિયા ચોરી કર્યા હતા. તેણે આ સળિયા ભંગારના વેપારી જશરાજ ખગારજી રાજપુરોહિત (રહે.અમરોલી, સુરત, મૂળ રાજસ્થાન) ને વેચી દીધા હતા.
કીમ પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. સરવૈયા અને તેમની ટીમ દ્વારા બાતમીના આધારે વોચ ગોઠવીને ચોરીના સળિયા ભરેલા એક સફેદ કલરના છોટા હાથી ટેમ્પો સાથે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૧૪૬૦ કિલો લોખંડના સળિયા (કિંમત રૂ.૮૪,૬૮૦/-),છોટા હાથી ટેમ્પો (કિંમત રૂ.૧,૦૦,૦૦૦/-) તેમજ ૨ નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ.૫,૫૦૦/-) આમ, કુલ રૂ.૧,૯૦,૧૮૦/- નો મુદ્દામાલ કબજે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





