Latest News Tapi : ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી અશ્લીલ મેસેજ મોકલનાર સાયબર ગુનેગાર મહિસાગરથી ઝડપાયો

સોશિયલ મીડિયા પર ફેક આઇડી બનાવીને યુવતીઓને પરેશાન કરતા તત્વો સામે તાપી પોલીસ એક્શન મોડમાં આવી છે. સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા એક સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસે મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાંથી એક આરોપીની ધરપકડ કરી છે.

સોનગઢ પોલીસ મથકે ગત ૩૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ એક સાયબર બુલીંગની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપીએ ફરિયાદીની બહેનપણીના નામે ‘Pinku_6458’ નામનું એક ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યું હતું. આ નકલી આઇડી પરથી ફરિયાદી યુવતીને ગંદા મેસેજ, અશ્લીલ વીડિયો મોકલી તેમજ વીડિયો કોલ કરી બિભત્સ હરકતો કરવામાં આવતી હતી. યુવતીની બદનામી કરવાના ઇરાદે ખોટું ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ઊભું કરી ગુનો આચરવામાં આવ્યો હતો. તાપી પોલીસ અધિક્ષક જે.એન.દેસાઈના માર્ગદર્શન હેઠળ સોનગઢ પી.આઈ. ડી.વી.ઢોલાની સૂચનાથી પોલીસ ટીમ આ ગુનાના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી હતી.

પીએસઆઈ કે.આર.ચૌધરી અને તેમની ટીમે ટેકનિકલ સર્વલન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. પોલીસની એક ટીમે મહિસાગર જિલ્લાના નાના ખાનપુર ખાતે દરોડો પાડીને સંજયકુમાર ઉર્ફે સંજુ માવજીભાઇ વણકર (ઉં.વ. ૩૨, ધંધો-ખેતી) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી વીવો કંપનીનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં અને મોબાઇલમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જ મોબાઈલથી ફેક આઇડી બનાવીને વિકૃત માનસિકતા સાથે મેસેજ મોકલવામાં આવતા હતા. લખાણ અને વીડિયો બતાવતા જ આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો, જેથી પોલીસે તેની સામે વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!