ગુજરાતમાં ચોમાસું ધમાકેદાર: મોસમનો ૮૮ ટકા વરસાદ વરસ્યો,દક્ષિણ ગુજરાત ૧૧૩ ટકા સાથે મોખરે

ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ ૮૮ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કુલ ૩૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઝોનવાર સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૧૩.૫૨ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૮.૫૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૦.૩૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૭.૮૬ ટકા અને કચ્છમાં ૫૭.૧૬ ટકા વરસાદ નોંધાયો છે.છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૧ જિલ્લાના ૨૨૪ તાલુકામાં સરેરાશ ૧૭.૨૦ મિ.મી. વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના મેઘરજ અને ગીર સોમનાથના ગીર ગઢડામાં સૌથી વધુ ૩ ઇંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં ૨.૮૭ ઇંચ, સાબરકાંઠાના તલોદમાં ૨.૫૨ ઇંચ અને નર્મદાના દેડિયાપાડામાં ૨.૪૦ ઇંચ વરસાદ નોંધાયો હતો.

દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમ ૯૬ ટકા ભરાયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૭૦.૪૯ ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે. રાજ્યના ૩૦ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, જ્યારે ૩૮ ડેમ ૭૦થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦થી ૭૦ ટકા અને ૪૦ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયેલા છે. ૭૩ ડેમમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ છે.

ચોમાસાની શરૂઆતથી ૧૮ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં ૮૫,૪૫૬ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને ૯,૮૨૨ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. નવસારીમાં સૌથી વધુ ૨૯,૧૯૮, વલસાડમાં ૨૨,૨૧૪ અને સુરતમાં ૧૭,૯૯૨ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આપત્તિ વ્યવસ્થાપન માટે NDRFની ૧૦ ટીમો અને SDRFની ૨૮ પ્લાટૂન તૈનાત છે.

error: Content is protected !!