કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં હિંદુ સમુદાય માટે અસ્થિ વિસર્જનની સત્તાવાર સુવિધા શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી માગણી બાદ શહેર વહીવટી તંત્રે ખાસ સ્થળ ફાળવ્યું છે. હવે કેનેડામાં રહેતા હિંદુ પરિવારોને અસ્થિ વિસર્જન માટે ભારત આવવાની ફરજ નહીં પડે.
સરેના મેયર બ્રેડા લોકે જણાવ્યું કે આ સુવિધા પરિવારોને ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા મુજબ સુરક્ષિત તથા સન્માનજનક રીતે અસ્થિ વિસર્જન કરવાની જગ્યા પૂરી પાડશે. ૨૧ ડિસેમ્બરથી ઓનલાઇન બુકિંગ શરૂ થયું છે અને તેનો ચાર્જ ૨૩૭ કેનેડિયન ડોલર (આશરે રૂ. ૧૪,૫૦૦) છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયેલી આ સુવિધામાં એક સમયે માત્ર એક પરિવારને મંજૂરી મળશે અને પ્રદૂષણ અટકાવવા વહીવટી કર્મચારી પણ સ્થળ પર હાજર રહેશે.





