ઉકાઈ-તાપી પંથકમાં ખેરતસ્કરોનો પીછો કરતા સમયે થયેલા ગોઝારા અકસ્માતમાં તાપી રેન્જના આરએફઓ શ્રી વિકાસ દેસાઈ અને અન્ય એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વન વિભાગ અને પોલીસ તંત્રમાં ભારે અરેરાટી સાથે રોષ વ્યાપી ગયો હતો. આ ચકચારી કેસમાં જામીન ના મંજૂર થતાં મુખ્ય આરોપી ડ્રાઇવર નિતેશભાઈ અશોકભાઈ વસાવાને સોનગઢ કોર્ટે ૪ દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો. રિમાન્ડ દરમિયાન હાથ ધરાયેલી ઊંડાણપૂર્વકની તપાસમાં વન વિભાગને સનસનાટીભરી સફળતા સાંપડી છે.
પકડાયેલા આરોપી ડ્રાઇવર નિતેશ વસાવાની સઘન પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, તેને ફિલિપભાઈ રમેશભાઈ વસાવાએ ડ્રાઇવર તરીકે મોકલ્યો હતો. ફિલિપ વસાવા જ આ સમગ્ર તસ્કરીનું પાયલોટિંગ કરતો હતો. વન વિભાગની ટીમે દરોડા પાડીને પાયલોટિંગ અને લાકડાની હેરાફેરીમાં વપરાતી બુલેટ મોટરસાઇકલ નમ્બર GJ/26/AA/9742 તથા ઇનોવા કાર નમ્બર GJ/26/A/2299 જપ્ત કરી લીધી છે.
તપાસ દરમિયાન જ્યારે આરોપીઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા ત્યારે વન વિભાગના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. આરોપીઓના ઘરની ઓસરીમાંથી લોખંડના પાંજરામાં કેદ રાખેલા સંરક્ષિત પક્ષી ‘રોઝ રિંગ્ડ પેરાકિટ’ (પોપટ) મળી આવ્યા હતા, જેમને તુરંત કબજે લેવાયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરહદ નજીક આવેલ આરોપીના અડ્ડાઓ પરથી લાકડા કાપવાનું પેટ્રૉલ કટર મશીન, કુહાડી, કોયતા અને કરવત જેવા ઘાતક હથિયારોનો જંગી જથ્થો ઝડપાયો છે.
આંતરરાજ્ય કનેક્શન સામે આવતા વન વિભાગની ટીમે મહારાષ્ટ્રના સંબંધિત આરએફઓ શ્રીમતી પ્રાંશા પગારને પણ સ્થળ પર બોલાવી ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી હતી. તસ્કરોના અડ્ડા પાછળથી સંડોવાયેલી ઇકો કાર નમ્બર GJ/05/CQ/7553 તેમજ ખેતરો અને અનામત જંગલમાંથી કિંમતી સાગ, ખેર, મહુડા અને તણછનું લાકડું જપ્ત કરવામાં આવ્યું છે
રેન્જ ફોરેસ્ટ ઓફિસર (ટાપ્ટી) બી.આર. વસાવાના જણાવ્યા અનુસાર, ભારતીય વન અધિનિયમ-૧૯૨૭ અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ ફરાર આરોપીઓને પકડવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જાળ બિછાવવામાં આવી છે.





