લોન સબસીડી અને ફ્રી વીમાની લાલચ આપી રૂા.13.76 લાખની ઠગાઈ: વાલોડમાં મારૂતિ શો-રૂમના સેલ્સમેન સામે ગુનો દાખલ

તાપી: વાલોડમાં લોન ટ્રાન્સફર, રૂ. 50 હજારની સબસીડી, બે હપ્તા માફી અને ફ્રી વીમાની લાલચ આપીને ગ્રાહકો સાથે રૂ. 13.76 લાખની ઠગાઈ થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે મારૂતિ સુઝુકી શો-રૂમના સેલ્સ એક્ઝિક્યુટિવ જૈનિલભાઈ અજીતભાઈ શાહ વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

ફરિયાદ મુજબ આરોપીએ ગ્રાહકોનો વિશ્વાસ કેળવી તેમના જરૂરી દસ્તાવેજો મેળવ્યા હતા.ત્યારબાદ ગ્રાહકોની જાણ વિના તેમના દસ્તાવેજોના આધારે અલગ-અલગ લોન મંજૂર કરાવી, લોનની રકમ પોતાના અંગત ઉપયોગમાં લીધી હોવાનો આક્ષેપ છે.

ઠગાઈની રકમમાં ફરિયાદી સોનારામભાઈ તલસાજીભાઈ ચૌહાણ પાસેથી રૂ. 7,62,707, સંજયભાઈ રમેશભાઈ રાઠોડ પાસેથી રૂ. 5,56,059 અને મયુરકુમાર દિલીપભાઈ દેસાઈ પાસેથી રૂ. 57,687 મળી કુલ રૂ. 13,76,453ની રકમનો સમાવેશ થાય છે.

મામલો સામે આવતા ભોગ બનનારાઓમાં ભારે આઘાત ફેલાયો છે. વિશ્વાસપાત્ર નોકરીના પદનો કથિત દુરુપયોગ કરી ગ્રાહકોના દસ્તાવેજોનો ઉપયોગ કરવાના આક્ષેપથી સમગ્ર ઘટનાએ વાલોડ પંથકમાં ચકચાર જગાવી છે.આ મામલે વાલોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સુ.શ્રી એસ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

error: Content is protected !!