ઉચ્છલના ભીંતબુદ્રક ગામમાં દીપડો છેલ્લા ૧૫ દિવસથી પાલતુ પશુઓ ઉપર થતા હુમલો કરતો હતો. જેથી ગ્રામજનોમાં તેમજ પશુપાલકોમાં ચિંતા સાથે ભય છવાયેલો રહ્યો હતો, જે અંગે વન વિભાગને જાણ કરાતા ભીંતબુદ્રકમાં પાંજરાની ગોઠવણ કરાતા દોઢથી બે વર્ષીય દીપડી પાંજરે પુરાઇ હતી.
ઉચ્છલ તાલુકાના ભીંતબુદ્રક ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ રાવજીબુંદા, ભીંતબુદ્રક, વંજારી, ઢોલ્યાંબરા, હરિપુર, માણેકપુર તથા આસપાસનાં ગામોમાં દીપડા ફરતો હોવાથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે જેથી લોકો ખેતરમાં ખેતીકામ માટે કે મજૂરી કામ માટે પણ જવા માટે ડર અનુભવતા રહ્યા હતા. ગત્ દિવસોમાં બે પશુપાલકોના બકરા ઉપર પણ દીપડીએ હુમલો કરી તેનું મારણ કર્યું હતું. જે અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. રેંજ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ભીંતબુદ્રકમાં એક ખેતરમાં પાંજરાની ગોઠવણ કરવામાં આવી હતી, આખરે ૧૫ દિવસ પછી પાંજરામાં લગભગ દોઢથી બે વર્ષની દીપડી પુરતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.