વાલોડ તાલુકામાં ઓનલાઈન ઠગાઈનું એક ચોંકાવનારું પ્રકરણ સામે આવ્યું છે. ધામોદલા ગામના વાડી ફળિયામાં રહેતા અને ખેતી તેમજ પશુપાલન કરતા સુનિલભાઈ ચીમનભાઈ ચૌધરી સાથે પાટણના એક શખ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી વિશ્વાસઘાત આચર્યો હોવાની ગંભીર બાબત બહાર આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ જિલ્લાના સરીયદ ગામના રહેવાસી ઇમરાનભાઈ નોરખાન બલોચે ફરિયાદીના મોબાઈલ પર ફોન કરી વોટ્સએપમાં ઉત્તમ નસલની ભેંસોના આકર્ષક વીડિયો મોકલ્યા હતા. આ માયાજાળમાં ફસાવીને આરોપીએ ૭ ભેંસોના વેચાણ પેટે કુલ રૂપિયા ૫,૯૦,૦૦૦ નો સોદો નક્કી કર્યો હતો.ત્યારબાદ આરોપીએ અલગ-અલગ સમયે આંગડિયા પેઢી મારફતે રોકડા રૂપિયા ૮૦,૦૦૦ તથા ફોનપે (PhonePe) ની વિવિધ આઈડી દ્વારા કુલ રૂપિયા ૨,૪૫,૦૦૧ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
જોકે, નાણાં પડાવ્યા બાદ પણ આરોપીએ આજદિન સુધી એકપણ ભેંસ મોકલી ન હતી અને ન તો સ્વીકારેલી રકમ પરત કરી હતી. ભોળા પશુપાલક સાથે આ પ્રકારે આચરવામાં આવેલા ખેલથી સ્પષ્ટ થાય છે કે ઓનલાઈન પશુ વેચાણના નામે સક્રિય ઠગ ટોળકીઓ ગ્રામ્ય વિસ્તારોને નિશાન બનાવી રહી છે. આ મામલે વાલોડ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને ASI જીજ્ઞેશભાઈ ગણપતભાઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




