તાપી જિલ્લામાં ભારત સરકાર પુરસ્કૃત અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ‘સખી’ વન સ્ટોપ સેન્ટરે ફરી એકવાર પીડિત મહિલા માટે દેવદૂત બનીને કાર્ય કર્યું છે.સાસરિયાના ત્રાસથી કંટાળી મહારાષ્ટ્રથી વિખૂટી પડી ગયેલી ૧૯ વર્ષીય યુવતીનું સેન્ટરના પ્રયાસોથી ૫ દિવસ બાદ તેના પિતા સાથે સુખદ મિલન થયું છે.
સાસરિયાના ત્રાસથી જલગાંવથી નીકળી વ્યારા પહોંચેલી મરાઠી યુવતીને સુરક્ષિત આશ્રય આપી પિતાને સોંપવામાં આવી

ગત તા. ૦૪/૦૩/૨૦૨૬ના રોજ વ્યારા પોલીસ સ્ટેશનની ૧૧૨ જનરક્ષક વાન પેટ્રોલિંગમાં હતી ત્યારે રાત્રિના સમયે વ્યારા બસ સ્ટેન્ડ પર એક યુવતી એકલવાઈ હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, લગ્નના માત્ર ચાર માસમાં જ સાસરિયા પક્ષ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને આ યુવતી મહારાષ્ટ્રના જલગાંવથી નીકળી વ્યારા સુધી આવી પહોંચી હતી. યુવતીને તાત્કાલિક સુરક્ષાની જરૂર હોવાથી તેને ‘સખી’ વન સ્ટોપ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.
કેન્દ્રના સંચાલકો દ્વારા કરવામાં આવેલા કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે યુવતી માત્ર મરાઠી ભાષા જાણતી હતી. સેન્ટરની ટીમે ધીરજપૂર્વક તેની વિગતો મેળવતા જાણવા મળ્યું કે તે જલગાંવ જિલ્લાના યાવલ તાલુકાના ચીંચોલી ગામની છે. સેન્ટર દ્વારા તુરંત યાવલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન યુવતીના પતિ અને સાસરિયા પક્ષે તેને સ્વીકારવાની ના પાડી દીધી હતી. આ કપરી પરિસ્થિતિમાં ‘સખી’ સેન્ટરે હિંમત ન હારી યુવતીના પિતા (રહે. સાકેગાંવ, ભુસાવલ)નો સંપર્ક સાધ્યો હતો. દીકરીની ભાળ મળતા જ પિતા અને મામા તુરંત વ્યારા દોડી આવ્યા હતા.મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી, તા.૦૬/૦૩/૨૦૨૬ના રોજ યુવતીને તેના પિતાને સોંપવામાં આવી હતી. ૫ દિવસ બાદ દીકરીને હેમખેમ જોઈ પરિવાર ભાવુક થયો હતો. આ સફળ કામગીરી બદલ પીડિત પરિવારે તાપી જિલ્લા વહીવટી તંત્ર અને ‘સખી’ વન સ્ટોપ સેન્ટરની ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.





