પટણા: ધાર્મિક સ્વતંત્રતા અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં પટણા હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બંધારણના આર્ટિકલ ૨૫ હેઠળ ધાર્મિક પ્રવૃત્તિઓ માટેનું રક્ષણ સંપૂર્ણ અને નિરંકુશ નથી. ધાર્મિક કાર્યક્રમો દરમિયાન જાહેર વ્યવસ્થા, કાયદો-વ્યવસ્થા અને સામાજિક શિસ્તનું પાલન કરવું જરૂરી છે.
બિહારના સિવાનમાં ધાર્મિક કાર્યક્રમમાં ૩૦૦ જેટલા શ્રદ્ધાળુઓને મંજૂરી આપવાની માગણી કરવામાં આવી હતી. જોકે કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને સંખ્યા મર્યાદિત કરી હતી. આ નિર્ણયને પડકારતાં હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
સરકારે દલીલ કરી હતી કે અગાઉ મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં કાયદો-વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ હતી. ૨૦૨૪માં કાર્યક્રમ દરમિયાન ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો તથા સરકારી વાહનને આગ ચાંપવાની ઘટના પણ બની હતી.
હાઇકોર્ટે જણાવ્યું કે ધાર્મિક આચરણને બંધારણીય સંરક્ષણ છે, પરંતુ તેનો ઉપયોગ જાહેર વ્યવસ્થા અને અન્ય લોકોના અધિકારોને અસર થાય તે રીતે કરી શકાય નહીં. ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં ધાર્મિક કાર્યક્રમો યોજતી વખતે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરૂરી નિયંત્રણો સ્વીકારવા પડશે.News Source: GS





