આગામી ચૂંટણીને અનુલક્ષીને તાપી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લાના સુરક્ષા પ્લાન અંગેની વિગતો જાહેર કરવામાં આવી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને બહારની ફોર્સની મદદ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે કુલ ૧૮૩૦ સુરક્ષાકર્મીઓનો કાફલો ખડેપગે રહેશે. જેમાં ૧ એસ.પી., ૩ ડીવાય.એસ.પી., ૧૮ પી.આઈ. અને ૨૬ પી.એસ.આઈ. સહિત પોલીસ જવાનો, હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનોનો સમાવેશ થાય છે. આ બંદોબસ્તમાં સુરત શહેર, વેસ્ટર્ન રેલ્વે, ખલાલ તાલીમાર્થી (LRD) અને SRPFની બે પ્લાટૂન અને બે સેક્શનની ફોર્સ પણ બહારથી ફાળવવામાં આવી છે.જિલ્લાના સંવેદનશીલ બુથ બિલ્ડિંગ્સ પર નજર રાખવા માટે ૭૭ બોર્ડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.વ્યારા, સોનગઢ ટાઉન અને આંતરરાજ્ય ચેકપોસ્ટ પર કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા સીસીટીવીની મદદથી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા અધિકારીઓની ગાડીઓને ગેસગન, હેલ્મેટ અને લાઠી જેવા સાધનોથી સજ્જ કરાઈ છે.
સરહદો પર સઘન ચેકિંગ અને સ્ટ્રોંગરૂમ સુરક્ષા મહારાષ્ટ્ર રાજ્યને જોડતી કુલ ૭ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સતત વાહન ચેકિંગની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જિલ્લાના ૦૮ સ્ટ્રોંગરૂમ ખાતે સુરક્ષા માટે SRPFના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, તમામ પોલીસ સ્ટેશનમાં ‘ક્યુઆરટી’ (Quick Response Team) ની પણ નિમણૂંક કરવામાં આવી છે. ગરમીને ધ્યાને રાખી ખાસ સુવિધા વધતી ગરમીને જોતા મતદાન કરવા આવતા નાગરિકો અને ફરજ પરના પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી માટે વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી અને ORSની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.





